ગુજરાત રાજ્યના ખેડૂતો અને માલધારીઓ આર્થિક રીતે વધુ સક્ષમ બને અને પગભર બને તે હેતુથી રાજ્યના સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે ખેડૂતો બાપડો બિચારો નહિ સાચા અર્થમાં જગતનો તાત બને એવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.ખેડૂતોને રૂપિયા 11,535 કરોડનું પાક ધિરાણ માત્ર 1 ટકાના વ્યાજદરે આપ્યુ હતુ.
ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે વધુ પગભર કરવા પ્રયત્નશીલ સહકાર વિભાગ 74000 થી વધુ સહકારી મંડળીઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા રાજ્યની કલ્યાણકારી યોજનાઓ ના લાભો સીધા જ પહોંચાડી રહ્યા છે.મંત્રી ઈશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે સાડા છ કરોડ ગુજરાતીઓ પૈકીના એક કરોડ 65000 ગુજરાતીઓ સહકારી સંસ્થાઓના સભાસદો છે.એટલે કે દર ચાર ગુજરાતીઓ એ એક ગુજરાતી સહકારી સંસ્થાનો સભ્ય છે.
સહકારી મંડળીઓ અને સંસ્થાઓનો વહીવટ વધુ સારો અને પારદર્શક બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.
