ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામના યુવાનનો મૃતદેહ ખેતર માંથી મળી આવ્યો હતો.જે અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવતા પોલીસને સફળતા મળી હતી,અને આરોપીની ધરપકડ કરી હતી.
વાગરાના ઓચ્છણ ગામનો રાકેશ વસાવા હોળીના દિવસે ગુમ થઈ ગયો હતો.તેનો મૃતદેહ 15મી માર્ચના રોજ બદલપુરા જવાના માર્ગે ડાબી બાજુના ખેતરમાંથી મળી આવ્યો હતો.
વાગરા પોલીસને આ અંગેની જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ તપાસને વેગ આપ્યો હતો.ગુનેગારને ઝબ્બે કરવા વાગરા પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લીધી હતી.જંબુસર ડિવિઝનના ડીવાયએસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાગરા પીએસઆઇ એ.એ.દેસાઈ,હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ખાંટએ પોલીસની ત્રણ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જેમાં શકમંદ તરીકે ઓચ્છણ ગામનો મુકેશ અંબાલાલ પ્રજાપતિ(ઉ.વ.42) ને તેની આકરી પુછપરછ કરતા તે ભાંગી ગયો હતો.હોળીના દિવસે રાકેશ વસાવાને મુકેશ પ્રજાપતિએ બદલપુરાની સીમમાં ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો.બદલપુરા રહેતા રાકેશની માસીના દીકરાએ બન્નેવને દારૂપીતા જોયા હતા.જ્યાંથી મુકેશે ઓચ્છણની સીમમાં આવેલ મનોજભાઈ પટેલના ખેતરમાં લઇ જઇ ધક્કો મારી ફેંકી દીધો હતો.ત્યારબાદ મૃતકનાજ કમરપટ્ટો કાઢી તેના વડે રાકેશને ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો હતો.હત્યા પાછળ મૃતકની સોતેલી માં સાથે આરોપીના આડા સંબંધ હોવાનુ કારણ જવાબદાર હોવાનું જાણવા મળી રહયુ છે.
આરોપીની પોલીસે અટક કરી હતી.આ અંગે એસસીએસટી સેલે આરોપી સામે વધુ એક એટ્રોસિટીની કલમ દાખલ કરી હતી.
