સોલવેન્ટના જથ્થામાં આગ લાગતા આગ વિકરાળ બની ,20થી વધુ ફાયરફાઈટરોએ અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.
અંકલેશ્વર ઔઘોગિક વસાહતમાં આવેલી એ.એસ.કેમિકલ કંપનીમાં આજે સવારે 9.30 કલાકની આસપાસ આગ ફાટી નીકળી હતી, કંપનીના સોલવેન્ટ ડીસ્ટ્રીલેશન પ્લાનમાં ટેકનીકલ ક્ષતિના કારણે આગ લાગી હતી. જે નજીકમાં રહેલા સોલવેન્ટ ભરેલ ડ્રમમાં ફેલાતા વિકરાટ બની હતી, આગની જાણ થતાની સાથે જ અંકલેશ્વરના DPMCના ફાયરફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ આગ વધુ વિકરાળ બનતા ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી, ઝઘડિયા જીઆઇડીસી અને GNFC કંપનીના 20થી વધુ ફાયરફાયટરો એ ફોર્મ અને પાણીનો મારો ચાલવી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પાણી સાથે સળગતું સોલવેન્ટ નજીકમાં આવેલ કાંસમાં જતા કાંસમાં પણ આગ લાગી હતી, વિકરાળ આગના પગલે કંપની તરફ જતા માર્ગો પોલીસ દ્રારા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. તો વીજ કંપની દ્રારા વીજપુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વરના પ્રાંતઅધિકારી વિજય પટની, મામલતદાર, GPCB અને સેફટી સેટી હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, આ બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાની ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
