Connect Gujarat
ગુજરાત

અહમદ પટેલની વારંવારની ગુજરાત મુલાકાતને લઇ ભાજપામાં અનેક અટકળો

અહમદ પટેલની વારંવારની ગુજરાત મુલાકાતને લઇ ભાજપામાં અનેક અટકળો
X

રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલ પિરામણ ગામના વતની છે, પણ છેલ્લા ઘણા સમય થી તેઓ કોંગ્રેસના પાયાના નેતા હોય દિલ્હી ખાતે સ્થાયી થઈને દેશમાં કોંગ્રેસની રણનીતિ નક્કી કરે છે.

પટેલ પોતાના વિસ્તારમાં જ નહિ પણ નર્મદા જિલ્લાના છેવાડાના અનેક ગામોના આદિવાસી નાગરિકો માટે અનેક સેવાકાર્ય કરે છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સેવા પહોંચાડવા તેઓની સંસ્થા HMP ફાઉન્ડેશન પણ કાર્યરત છે, જે અનેક સેવાકાર્યો ની સાથે સાથે વિશેષ આરોગ્ય લક્ષી સેવાઓ આપે છે. હાલમાંજ સાંસદ અહમદ પટેલ ની મદદ થી ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલમાં અદ્યતન આરોગ્ય સેવાઓની શરૂઆત કરવામાં આવી જયારે અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે પણ કોઈ અન્ય જગ્યા ના હોય એવા સાધનો વાળી હોસ્પિટલ અને ખાસ એમની પુત્રવધુ ના નામે બાળકો માટે ની પણ હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી છે.

અહમદ પટેલના સેવા કાર્યો અને તેમની વારંવારની ગુજરાત મુલાકાતો થી ગુજરાત કોંગ્રેસને જાણે ઓક્સિજન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પટેલના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી પણ અવનવા કાર્યક્રમો કરી રહી છે. જેમાં આદિવાસી મતદાતાઓ માટે ખાસ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં જયારે એક સમય વિપક્ષના નામે મીંડુ હતુ ત્યારે આજે કોંગ્રેસની પરિસ્થિતિ પહેલા કરતા ઘણી સારી દેખાઈ રહી છે. અહમદ પટેલની વારંવારની ગુજરાત મુલાકાત અને તેઓના આદિવાસી સમાજમાં ચાલતા સેવાકાર્યો આજે ભાજપાને ઘણું વિચારવા મજબુર કરી રહી છે.

અહમદ પટેલે હાલમાં જ તેઓના આનંદ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે 2017 ની ચૂંટણી ભાજપા કરતા કોંગ્રેસ માટે વધુ મહત્ત્વ ની છે જો કોંગ્રેસ આ ચૂંટણી નહિ જીતે તો આવનારા સમયમાં કોઈ પણ ચૂંટણી જીતવી અઘરી બનશે. અહમદ પટેલના આ ભાષણ બાદ કોંગી આગેવાનોમાં એક લહેર જોવા મળી છે. જે ભાજપા નેતાઓ ના કપાળે ચિંતા દર્શાવી રહી છે.

ભાજપાના એક પ્રદેશ કક્ષાના નેતા એ જણાવ્યુ હતુ કે અહમદ પટેલ હવે ગુજરાતના નેતા નથી રહ્યા પણ તેઓ દિલ્હીના થઇ ગયા છે. તેઓની પકડ હવે ગુજરાત પર આટલી નથી રહી જયારે અમિત શાહ ગુજરાતમાં હોય કે દિલ્હીમાં તેઓ ગુજરાત દરેક વિકાસના કાર્યમાં સહભાગી રહે છે. જેથી અમને અહમદ પટેલ અને તેમની રણનીતિ થી કોઈ બીક નથી.

ભજપાના નેતા ભલે નામ નહિ આપવાની શરતે ઘણુ બોલી ગયા પણ અહમદ પટેલના હાલ ગુજરાત પ્રવાસ થી કોંગ્રેસ મજબુત થઇ રહી છે અને આદિવાસી વિસ્તારો માં તેઓના સેવાકાર્યો મોટી વોટ બેન્કમાં ફેરવાશે.

Next Story