વડોદરા શહેરના ફતેગંજ ખાતેની પંજાબ નેશનલ બેંકના અધિકરીઓ દ્વારા બેંક માંથી લોન લીધા બાદ સમયસર હપ્તા ભરીન શકતા ડિફોલ્ટરો માટે ગાંધીગીરી કરીને રિકવરીનો કિમીયો અજમાવ્યો હતો.
સાહેબ મારો ધંધો બરાબર ચાલતો નથી, સાહેબ મારી નોકરી છૂટી ગઇ છે, સાહેબ ઘરમાં મોટી બિમારી આવી ગઇ છે. આથી અમો બેંકના હપ્તા ભરી શક્યા નથી. અમે બેંકના હપ્તા ભરવા તૈયાર છે. અમોને થોડો સમય આપો. તેવી ગાંધીગીરી દ્વારા બેંકના બાકી નીકળતા નાણાં વસુલ કરવા માટે આવેલ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓને રજૂઆત કરીને બેંકના ડિફોલ્ટરોએ બેંકની વસુલાત માટે આવેલી ટીમને વિદાય કર્યા હતા.
શહેરમાં 15 જેટલી શાખા ધરાવતી પંજાબ નેશનલ બેંકની ફતેગંજ શાખાના ચિફ મેનેજર પ્રદિપકુમાર સૈનીએ બેંકના બાકી નીકળતા નાણાં વસુલાત કરવા માટે બેંકના ડિફોલ્ટરોની ત્યાં ગાંધીગીરી દ્વારા નાણાં વસુલાતનો કિમીયો અપનાવ્યો હતો.
બેંક કે પૈસા વાપસ દો, બેંક પૈસા આપકા ઔર લોગોકા પૈસા હૈ, તેવા બેનરો, અને હાથમાં ગુલાબનું ફૂલ લઇને બેંકની ટીમ ડિફોલ્ટરોના ઘરે જતાં જ ડિફોલ્ટર પરિવાર ચોંકી ઉઠ્યું હતું. જોકે, બેંકની ટીમે ડિફોલ્ટરના હાથમાં ગુલાબનું ફૂલ આપી અમે પંજાબ નેશનલ બેંકમાંથી આવીએ છે. બેંકના નાણાં ભરવા માટે વિનંતી કરતા ડિફોલ્ટરોએ પણ બેંકની ટીમને સારો આવકાર આપીને ઘરમાં બેસાડ્યા હતા. અને બેંકના હપ્તા ભરી ન શકવાના કારણો રજૂ કર્યા હતા.
પંજાબ નેશનલ બેંકની ફતેગંજ બ્રાંચના ચિફ મેનેજર પ્રદિપકુમાર સૈનીએ જણાવ્યું હતું કે, બેંકના બાકી પડતા નાણાંની વસુલાત માટે અમે નવો કિમીયો અપનાવ્યો છે. અમોએ ગાંધીગીરી દ્વારા નાણાંની વસુલાત માટે 25 કર્મચારીઓની 5 ટીમો બનાવી છે. જે ટીમો વિવિધ વિસ્તારોમાં મકાન, ઇન્ડસ્ટ્રીઝ, વાહન, જેવી લોન લેનાર ડિફોલ્ટરોને ત્યાં સવારે ગુલાબનું ફૂલ લઇને ગઇ હતી. અને તેઓને બેંકના બાકી પડતા નાણાં ભરપાઇ કરવા માટે સમાજાવ્યા હતા.
વધુમાં ડિફોલ્ટરોએ પણ અમારી ટીમોને સારો પ્રતિસાદ આપ્યો છે. લોકોએ નાણાં નહિં ભરવાના વિવિધ કારણો રજૂ કર્યા છે. પરંતુ, ડિફોલ્ટરોએ વહેલી તકે નાણાં ભરપાઇ કરવા માટે બાહેંધરી આપી છે.
