રાંધણ ગેસના બોટલો બાદ હવે સરકાર દ્વારા લોકોને રેલવે ટિકિટ પર મળતી સબસિડી છોડવા માટેનો અનુરોધ કરવામાં આવશે. રેલવેની ટિકિટો પરની સબસિડીનો લોકોને વિકલ્પ આપવા સરકાર અભિયાન શરૂ કરશે. જે લોકો સબસિડી છોડવા માગતાં હશે તેમના માટે ગિવ અપ સ્કીમ શરૂ કરાશે જેને રેલવેપ્રધાન સુરેશ પ્રભુ દ્વારા આવતા અઠવાડિયે લોન્ચ કરાશે.

આ અંગે રેલવે મંત્રાલય દ્વારા જરૂરી ચર્ચા કરીને પ્રવાસીઓને સબસિડી જતી કરવાનો વિકલ્પ આપવા નક્કી કરાયું હતુ. આમ હવે ઈ-ટિકિટ બુક કરાવતી વખતે સબસિડી વિના પૂરુંં ભાડું ચુકવવાનો વિકલ્પ અપાશે. ટિકિટનાં ફોર્મમાં સબસિડી જતી કરવાના વિકલ્પ માટેની કોલમ હશે જેમાં તેણે ટીકમાર્ક કરવાની રહેશે.

રેલવે પર સબસિડીનો દર વર્ષે રૂ. ૩૫,૦૦૦ કરોડનો બોજ પડે છે જેને માલભાડા દ્વારા સરભર કરવામાં આવે છે. સબસિડી વિના દિલ્હીથી મુંબઈની રાજધાની ટ્રેનમાં ભાડું થર્ડ એસીનું રૂ. ૨,૭૫૫ થી વધીને રૂ. ૪,૮૩૫ થશે અને સેકન્ડ એસીનું ભાડું રૂ. ૪,૧૦૫થી વધીને રૂ. ૭,૨૦૫ થશે.