રાજકોટમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા તેમજ ડ્રેનેજ સહિત અન્ય સ્થળો પર મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

જાણવા મળ્યા મુજબ છેલ્લા 25 દિવસમાં રાજકોટમાં 39 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને ભારે વરસાદના કારણે રાજકોટના રસ્તાને, ગટર વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગને મોટુ નુકશાન થવા પામ્યુ છે.

રાજકોટ મનપા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજકોટને થયેલ નુકશાનનો અંદાજ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે સેન્ટ્રલ ઝોનમાં 15.20 કરોડ, વેસ્ટ ઝોનમાં 8.96 કરોડ જ્યારે ઈસ્ટ ઝોનમાં 8.10 કરોડનું નુકશાન થવા પામ્યુ છે. ત્યારે નવરાત્રી બાદ તમામ રોડનું સમારકામ શરૂ કરવામાં આવશે. જે બાબતની ટેન્ડર પ્રક્રિયા યુધ્ધના ધોરણે જ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ હાલ નુકશાન થયેલ રોડ પર મોરમ પાથરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.