વડોદરાનાં દલિત સમાજ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવેલા ગુજરાતનાં ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીએ તારીખ 31મીએ સવારે સયાજીબાગ સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી. સંકલ્પ ભૂમિ ઉપર તેમણે સંકલ્પ કર્યો હતો કે, સરકાર દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા અને રીઝર્વેશન એક્ટ સહિત વિવિધ ન્યાયીક માંગણીઓ તા.1લી એપ્રિલ સુધીમાં નહિં સ્વિકારે તો ગુજરાતના મુખ્યમંત્રીને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા દઇશું નહિં.
જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દાયકાઓ પૂર્વે ડો. બાબા સાહેબ આંબેડકરે આ ભૂમિ ઉપર કચડાયેલા અને શોષિત વર્ગનાં ઉધ્ધાર માટે સંકલ્પ કર્યો હતો. આજે હું આ ભૂમિ ઉપર થી સંકલ્પ કરું છું. જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી દલિત સહિત કચડાયેલા વર્ગ માટે લડતો રહીશ. અને વડોદરાની સંકલ્પ ભૂમિ માટેની જગ્યા માટે ગુજરાત વિધાન સભામાં રજૂઆત કરીશ. જમીન માટે આંદોલન કરી રહેલી વડોદરાના દલિત સમાજને મારો ટેકો છે. અમે વિશ્વામિત્રી રીવર ફ્રન્ટના નામે સંકલ્પ ભૂમીની જગ્યા જવા દઇશું નહિં. તેવો હુંકાર કર્યો હતો.
જય ભીમના નારાથી ગુંજી ઉઠેલી સંકલ્પ ભૂમિમાં ઉપસ્થિત દલિત કાર્યકરોને સંબોધત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના બંધારણની પ્રસ્તાવનામાં સમાનતાધારી વિચાર મુકવામાં આવ્યો છે. જે વિચારધારા માટે હું લડી રહ્યો છું. સંઘના વડા હેગડે કહે છે કે, દેશનું બંધારણ બદલવા આવ્યા છે. પરંતુ, હું દેશનું બંધારણ લાગુ કરવા આવ્યો છું. અમે લવ-જેહાદની વાત કરવા નહિં પરંતુ, ઇન્સાનીયતની વાત કરવા માટે લડી રહ્યા છે.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, સરકાર રીઝર્વેશન એક્ટ લાગુ કરવામાં આવે.બેકલોગ ભરવામાં આવે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામાં આવે છે. જો સરકાર દ્વારા અમારી ન્યાયીક માંગણીઓ તા.1લી એપ્રિલ સુધીમાં સ્વિકારવામાં નહિં આવે અને સરકાર અમારી સાથે વાતચીત કરવા તૈયાર નહિં થાય તો તા.14 એપ્રિલ-2018ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે કચ્છ-રાપર હાઇવે બંધ કરી દઇશું. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ તો ઠીક ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવા દઇશું નહિં.
