અંકલેશ્વર જીઆઇડીસી ઈન્ડોકેમ કંપની પાસે અજાણ્યા ટેન્કર ચાલકે બે મિત્રોની બાઈકને ટક્કર મારી હતી. જેમાં એકનું મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પટેલ નગર ઝુપડપટ્ટી ખાતે રહેતા કરણસિંહ રામસિંહ પરમાર તેના મિત્ર કૌશિક રમણભાઈ રાઠવા જોડે તારીખ 4થી ની મોડી સાંજે 500 ક્વાટર્સ જીઆઇડીસી ખાતે રહેતા મિત્ર હરિદાસનાં ઘરે જમવા માટે ગયા હતા.

રાત્રીએ ત્યાંજ રોકાયા બાદ સવારે પોતાની બાઈક પર પરત 4:30 કલાકનાં અરસામાં આવી રહ્યા હતા, તે દરમિયાન જીઆઇડીસીની ઈન્ડોકેમ કંપની પાસે ચોકડી પર પુરપાટ વેગે આવી રહેલા ટેન્કર ચાલકે તેમની બાઇકને અડફેટેમાં લીધી હતી.

જ્યાં કરણસિંહ પરમારને માથામાં, છાતી અને હાથપગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જયારે તેમની પાછળ બેસેલા કૌષિક રાઠવા રોડ પર પટકાતા તેમના માથા પર ટેન્કરનાં પૈંડા ફરી વળતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.

બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે ઈજાગ્રસ્ત કરણસિંહ પરમારને 108 ની મદદ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને જીઆઇડીસી પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.