રાજકોટમાં ત્રણ મહિના પુર્વે સીસી લોન દ્વારા બેંક સાથે કૌભાંડ કરી બેંકનાં વાઈસ મેનેજર સહિત છ વ્યક્તિઓ વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ દાખલ થઈ હતી. જે ઘટનામાં પોલીસે બેંકનાં વાઈસ મેનેજરની ધરપકડ છે.

રાજકોટનાં ત્રિકોણ બાગ પાસે આવેલ કરૂર વૈશ્ય બેંકનો એક સમય હતો જ્યારે આ બ્રાંચ રોજનાં હજારો કસ્ટમર થી ધમધમતી હતી. પંરતુ હવે આ બ્રાંચમાં લગાવવામાં આવ્યા છે, મોટા મોટા તાળા.બેંકમાં સીસીટીવી અને તાળા હોવા છતાં ઘરનાં જ ઘાતકી થયા છે. ગ્રીન ફર્મ પેઢી દ્વારા સીસી લોન સંદર્ભે રૂપિયા 7.8 કરોડની લોન માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ બેંકને જરૂરી દસ્તાવેજો મોર્ગેજ પણ કરી આપ્યા હતા. જે બાદ બેંક દ્વારા 4.60 કરોડની કેશ ક્રેડિટ લિમીટ આપવામાં આવી હતી.

જાન્યુઆરી થી સપ્ટેમ્બર 2017 સુધી 14 ઈમ્પોર્ટ બીલ બેંકમાં સ્વીકારવા માટે આપ્યા હતા અને પેઢી તેનું ભરણું કરીને માલ છોડાવી જતી હતી. આ રીતે બેંકને વિશ્વાસમાં લીધા બાદ પેઢીએ આેસ્ટ્રેલિયાથી માલ મંગાવ્યો હતો. તે બાબતે આેસ્ટ્રેલિયાનાં મેલબોર્ન ખાતે આવેલી પેઢીનો બેંકને ઈ-મેઈલ આવ્યો કે, ગ્રીન ફાર્મ પેઢીનું પેમેન્ટ થયું નથી પણ તેઆેએ માલ છોડાવી લીધો છે. આ પ્રકારની જાણ થતા બેંક કર્મચારી મહેશ સોલંકીને મુંબઈ ખાતે મોકલ્યા અને તપાસ કરતા ત્યાંના ગોડાઉન માંથી માલ છોડાવી લેવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યુ હતુ. જે બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

કોઈ પણ પેઢી બેંકને પૈસા ચુકવ્યા વગર માલ છોડાવી શકતી નથી. ત્યારે આ પ્રકારની પરવાનગી બેંકનાં જ ઓથરાઈઝડ પર્સન દ્વારા અપાઈ હોવાનુ ખુલ્યુ હતુ. જે બાબતની બેંકના અધિકારીઓ દ્વારા તપાસ કરાતા બેંકના વાઈસ મેનેજર પ્રતિક વૈશ્યનું નામ પણ ખુલ્યુ હતુ. જે બાદ બેંકના મેનેજરે છ વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. જે અનુસંધાને ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે બે આરોપીઓની ધરપકડ કરવાની બાકી હતી. જે અન્વયે પોલીસે બેંકનાં વાઈસ મેનેજર પ્રતિક વૈશ્યની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી હજુ પોલીસ પકડ થી દુર છે.