અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામે ઘર આંગણે પાર્ક કરેલ 2 મોટર સાઇકલમાં રહસ્યમય રીતે આગ લગતા દોડધામ મચી જવા પામી હતી. આગમાં બંને મોટરસાઇકલ બળીને ખાખ થઇ ગઈ હતી તો મકાનના આગળ અદારીમાં પણ આગ લાગી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામ ખાતે સૂર્યા નગરીમાં રહેતા શશીકાંતભાઈ ડાહ્યાભાઈ પટેલના મકાન આગળ તેમને પોતાની બજાજ પલ્સર જી.જે.16.સી.સી. 5065 તેમજ હોન્ડા સ્પેલન્ડર જી.જે.16.બી.ક્યુ 4062ને પાર્ક કરી હતી જે રાત્રીના 2 વાગ્યા થી 2.30 દરમિયાન અચાનક રહસ્યમય સંજોગોના કારણે સળગી ઉઠી હતી અને જોત જોતા ભડકે બળવા લાગી હતી આગના કારણે મકાન આગરની અદારીમાં રહેલ બારી તેમજ અન્ય લાકડા પણ સળગી ઉઠ્યા હતા. ગ્રામજનો અને પરિવાર દ્વારા રાત્રીના આગ બુઝાવી હતી જો કે આગમાં બંને મોટર સાઇકલો બળીને ખાખ થઇ ગઈ હતી. બનાવ સંદર્ભે શશીકાંત પટેલ દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જાણવા જોગ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને મોટર સાઇકલ આગ કેવી રીતે લાગી તે એક રહસ્ય બન્યું છે. આગ લાગી કે લગાવામાં આવી એ તો પોલીસ તપાસનો વિષય બન્યો છે. પરંતુ ગ્રામજનોમાં આગ અંગે અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું.