ઓનલાઇન ચીટીંગનાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાતા હોવા છતાં હજી પણ લોકો અજાણ્યા શખ્સોની વાતોમાં ભોળવાઈને છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં નોંધાયો હતો. ઉધના વિસ્તારમાં ફરિયાદી રણવીરસિંહ અટાલીયાને અજાણ્યા નંબર પરથી ફોન કરીને એક વ્યક્તિએ બજાજ ફાયનાન્સ ક્રેડિટકાર્ડની માહિતી મેળવી હતી. તે બાદ ફરિયાદીનાં મોબાઇલ પર આવેલાં ઓટીપી નંબર લઇને તેણે બજાજનાં ક્રેડિટ કાર્ડમાંથી 78,280 રૂપિયાની ઓનલાઇન ખરીદી કરી લીધી હતી.

પોતાની સાથે ફ્રોડ થયો હોવાની ફરિયાદ ઉધના પોલિસમાં કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ પોલિસે બાતમીના આધારે 23 વર્ષિય વિકાસ ઉર્ફે પપ્પુ મંડળને ઉધના રેલ્વે સ્ટેશન પાસેથી દબોચી લીધો હતો. મુળ ઝારખંડનાં આરોપીની સઘન પુછપરછ દરમ્યાન ક્રેડિટ કાર્ડ ફ્રોડ રેકેટનો પર્દાફાશ ઉધના પોલિસે કર્યો છે. સમગ્ર નેટવર્ક ઝારખંડથી જ ઓપરેટ કરવામાં આવતું હોવાની માહિતી પણ સામે આવી છે. પોલિસે આરોપી પાસેથી 1,54,357 રૂપિયાની કિંમતનાં કુલ 9 મોબાઇલ પણ કબ્જે કર્યા છે.

આ આરોપી બીજા આરોપીઓ સાથે મળીને ઝારખંડ ખાતેથી ક્રેડિટ કાર્ડ ધારકોને તેમનાં મોબાઇલ નંબર પર ફોન કરીને લોભામણી સ્કીમ બતાવીને વાતોમાં લઇને તેમનાં ક્રેડિટ કાર્ડની ડિટેઇલ અને ઓટીપી નંબર મેળવી ફ્લીપકાર્ડ તેમજ એમેઝોન સાઇટ પરથી ફોનની ખરીદી કરીને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી ડિલિવરી મેળવતાં હતાં હોવાની વિગતો સામે આવી છે.

ઉધના પોલિસ મથકના પીઆઈ સી.આર.જાદવે જણાવ્યું હતું કે, આ આખી સાઈબર ગેંગ ઝારખંડથી ઓપરેટ થતી હતી.. તેઓ લોકોનાં ક્રેડિટ કાર્ડની માહિતી મેળવીને ઓનલાઇન છેતરપીંડી કરતાં હતાં. આ ગેંગમાં હજી અન્ય આરોપીઓ પણ સંડોવાયેલાં હોય આ આરોપીની પુછપરછ બાદ બીજા આરોપીઓનું પગેરૂ મેળવી શકાય છે.. જે દિશામાં ઉધના પોલિસે તપાસ હાથ ધરી છે.