ભરૂચ જીલ્લાના પાંચ તાલુકાઓમાં ઔદ્યોગિક વસાહતો ધમધમી રહી છે. છતાં પણ જીલ્લામાં બેરોજગારીનું પ્રમાણ ઘણું ઉંચુ હોવાના પગલે જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા ૨૦ કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરાના વિલાયતથી જીલ્લા કલેકટર કચેરી ખાતે રેલી પહોંચી હતી. જ્યાં પોલીસે કાર્યકરો સાથે દૂર વ્યવહાર અને ઝપાઝપી કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. આખરે પોલીસ કાર્યવાહીથી નારાજ યુવા કાર્યકરોએ આવેદન પત્ર આપવાનું ટાળી પોલીસ કામગીરીને શખત શબ્દોમાં વખોડી કાઢી પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ભરૂચ જીલ્લામાં બેરોજગારીને લઈ વાગરા તાલુકાના રહિયાદ, દહેજ, સુવા સહિત અંકલેશ્વર જીઆઈડીસી સહીતની ઔદ્યોગિક વસાહતોમાં સ્થાનિક લોકોને જ રોજગારી ન મળતાં લોકોની હાલત કફોડી બની છે. કેટલાંય બેરોજગારો આપઘાત કરવા તેમજ દારૂના નશાના રવાડે ચઢી ગયા છે. ત્યારે જીલ્લા વાસીઓને રોજગારી મળે તે માટે ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાનની આગેવાનીમાં વાગરાની વિલાયત જીઆઈડીસીમાંથી ૨૦ કિલોમીટરની વિશાળ પદયાત્રા નીકળી હતી.
વિલાયતથી નીકળેલી પદયાત્રા દેરોલ, કંથારીયા, દહેજ બાયપાસ ચોકડી, શ્રવણ ચોકડી, શક્તિનાથ થઈને ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચી હતી. જીલ્લા કલેકટર કચેરીએ આવી પહોંચેલી પદયાત્રામાં યૂથ કોંગ્રેસના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે રોજગારી આપોના નારાથી કલેકટર કચેરી સંકુલને ગજવી મૂકી હતી. યૂથ કોંગ્રેસના કાર્યકરો જીલ્લા સામહર્તાને રજૂઆત કરે તે પહેલાં જ ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ કર્મી સહીતના સ્ટાફ દ્વારા કોંગ્રેસના કાર્યકરો સાથે ઘર્ષણ અને ઝપાઝપીમાં ઉતરી આવતાં યુવા કોંગ્રેસના કાર્યકરોને અપશબ્દો ઉચ્ચાર્યા હતા.
પોલીસે કાર્યકરોને રજૂઆત કરવા જતાં રોકવામાં આવતાં કલેકટર કચેરી સંકુલનુ વાતાવરણ એક તબક્કે તંગ બન્યું હતું. પોલીસના આ પ્રકારના વલણના કારણે લાલધૂમ બેનલા યુવા કોંગ્રેસના કાર્યકરોઓએ બેરોજગારી મુદ્દે ૨૦ કિલોમીટર સુધી ચાલીને આવ્યા બાદ પણ પોલીસની કામગીરીથી અસંતુષ્ટ થઇ કલેકટરને આવેદન પત્ર આપવાનું ટાળી સ્થળ ઉપરથી નીકળી ગયા હતા. પોલીસની કાર્યવાહીને વખોડી કાઢી આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં વધુ આક્રમકઃ રીતે કાર્યક્રમ આપવાની ચીમકી યુવા કોંગ્રેસના કાર્યકરોએ ઉચ્ચારી હતી.
