સુરતના ઉધના વિસ્તારમાં ગુરુવારે બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી શૂઝનું એક ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં નાઈક, પુમા, એડિડાસ જેવી મોટી-મોટી કંપનીઓના નકલી શૂઝ મળી આવ્યા છે. કોપીરાઈટ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડી ગોડાઉન ઝડપી પાડ્યું છે. કોપીરાઈટની ટીમની પ્રાથમિક તપાસમાં નકલી શૂઝ ઓનલાઈન વેચવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગોડાઉનમાંથી અંદાજે 2.53 કરોડનો નકલી શૂઝનો જથ્થો મળી આવ્યો છે.

ઉધના રોડ નંબર 6 પર ખાતા નંબર 91માં આવેલા એક ગોડાઉનમાં કોપારાઈટની ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. જેમાં નકલી બ્રાન્ડેડ શૂઝ હોવાનું સામે આવ્યું હતું. નાઈક, પુમા અને એડિડાસ જેવી મોટી-મોટી કંપનીઓના નકલી શૂઝનો મોટો જથ્થો જોઈને કોપીરાઈટની ટીમ સહિત પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોપીરાઈટની ટીમની તપાસમાં નકલી શૂઝનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.