આમ તો રાજકોટને રંગીલું શહેર તરીકે ઓળખવામાં આવે છે. જેની પાછળનું કારણ પણ કંઈક એવું જ છે. કહેવાય છે કે, રાજકોટની જનતા કોઈ પણ તહેવારની માત્ર ઉજવણી જ નથી કરતી પરંતુ તેને માણવાની સાથે જીવતી પણ હોઈ છે. સાથોસાથ રાજકોટવાસીઓ સ્વાદના અને જીભના ચટાકાના શોખીન પણ એટલાં જ હોય છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. જેમાં રાજકોટવાસીઓ ઠંડાપીણા અને આઇસ ગોલા, આઈસક્રીમ આરોગીને મોજ માણતા હોઈ છે. ત્યારે રાજકોટમાં એક આઇસના ગોલા એવા પણ બનાવવામા આવે છે કે, જે ૪૩ ડિગ્રીમાં પણ ઓગળતા નથી. ચોંકાવનારી બાબત એ છે કે, આ ગોલાને વિમાન મારફત દેશ-વિદેશમાં પણ મોકલવામાં આવે છે.

રાજકોટ શહેરનો કાલાવડ રોડ, પેલેસ રોડ અને ૧૫૦ ફૂટ રોડ આઇસ ગોલા માટે જાણીતો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા “જય ભવાની ગોલા”નું નામ સૌથી જાણીતું છે. ભવાની ગોલા માટે એવું કહેવાય છે કે, તેઓ દર વર્ષે ગોલામા કંઇકને કંઇક નવી વેરાઈટી લઇને આવે છે.

કનેકટ ગુજરાત સાથેની એક વાતચીતમાં ૨૭ વર્ષથી આઇસ ગોલા બનાવતા કિરીટ માનસતા જણાવે છે કે, આઇસ ગોલામા હંમેશા વેરાઇટી આપવાનો તેમનો શોખ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડીપફ્રીજમાં રાખેલા આઇસ ગોલાનું એરટાઇટ પેંકિગ પણ શરૂ કર્યું છે. જે આઇસ ગોલો ૪ કલાક સુધી ઓગળતો નથી અને તેને અમદવાદ, સુરત, ઇંદોર અને મુંબઇ સુધી વિમાનમાં લોકો ગોલા લઇ જાય છે.આવો બરફનો ગોલો એકદમ ટાઇટ બનાવામાં આવે છે. તેને કલાકો સુધી માઇનસ ૨૫ ડિગ્રીમાં રાખવામાં આવે છે. પછી તે બીજા ચાર કલાક સુધી નથી ઓગળતો. એરટાઇટ પેકિંગના કારણે કલાકો બાદ પણ સ્વાદમાં કોઇ ફરક પડતો નથી.