રાજકોટમાં વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરોએ અપનાવ્યો આ કિમીયો

ગુજરાતમાં રાજ્યસરકાર દ્વારા દારુબંધીની કડક અમલવારી માટે અવાર-નવાર માત્ર વાતો જ કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં બેરોક ટોક પણ દારુની હેરાફેરી કરાતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવી ટેકનિક અપનાવી જે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

રાજકોટ રેન્જ આર. આર. સેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અનમોલ હોટલના પાર્કિંગમાં એક એલપીજી ગેસના ટેન્કરમાં દારૂ હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જેના ઉપર આર. આર. સેલે રેડ કરી તપાસ કરી હતી. જેમાંથી 9120 બોટલ જેની કિંમત 27.36 લાખની છે તે સહિત ટેન્કર ઝડપી પાડ્યું હતું. પોલીસ બુટલેગરોનો આ કિમિયો જોઈને ચોંકી ઉઠી હતી. દારૂના સપ્લાયરોએ પોલીસને ગુમરાહ કરવા અપનાવેલો આ કારસો પણ કારગત નીવડ્યો નહોતો. જો કે ટેન્કર બિનવારસી હાલતમાં મળ્યું હતું, હાલ ડ્રાઇવર સહિત ટેન્કરના માલિક કોણ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.