રાજ્યમાં સુક્ષ્મ-મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેળી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જીઆઈડીસી દ્વારા અપાતા 3000 મીટર સુધીનાં પ્લોટમાં નાના ઉદ્યોગોને 50 ટકા ઓછી કિંમતે પ્લોટ ફાળવી આપવામાં આવશે.
નીતિન પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આવા ઉદ્યોગોની સ્થાપના કરવાથી સ્વરોજગારીમાં પણ વધારો થશે. જેના થકી હજારો યુવકો-યુવતીઓને રોજગારીનું માધ્યમ પણ મળી રહેશે. વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સ્થળોએ જીઆઈડીસી સંકુલ ઊભા કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સંકુલો ઊભા કરવા માટે સરકાર દ્વારા જમીન વેચાણ આપવામાં આવે છે. ત્યારે નાના ઉદ્યોગકારોને જીઆઈડીસી દ્વારા ફાળવવામાં આવતી જમીન અને તેની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે 3000 મીટર સુધીનાં પ્લોટને રાજ્ય સરકાર 50 ટકા રાહત આપી નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે.
