સુરતીઓ ખાણી-પીનીમાં માહિર હોય છે. ત્યારે લોકોના આરોગ્યની સલામતી રાખવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સંચાલિત ફૂડ સહિતની વસ્તુઓના ટેસ્ટ માટેનું ફરતું ફૂડ સેફટી વાહન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાહન દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને ખાદ્ય ચીજોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સંચાલિત ફૂડ સેફટી ઓન વ્હીલ્સના લોકર્પણ પ્રસંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. હેમંત કોશિયા અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હાજર રહ્યા હતા. મંત્રી કુમાર કાનાણીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેરના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ફરતી પ્રયોગ શાળાને આજથી ખુલ્લી મુકવામાં આવી છે. જેનાથી સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનું કામ હળવું થશે. હવેથી સુરત શહેરમાં કોઈપણ જગ્યા પર આરોગ્યનાં દરોડા પાડવામાં આવે તો તેના સેમ્પલોનું પરીક્ષણ તાત્કાલિક પ્રાથમિક ધોરણે કરવામાં માટે આ વાહન ખુબ જ ઉપયોગી બની રહેશે. ખોરાકમાં ભેળસેળ કરનારાઓ પણ હવે સાવધાન રહેશે.