ભરૂચ- અંકલેશ્વર સહિત નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો આજથી બે દિવસ માટે બંધ રહેતાં આર્થિક વ્યવહારો ઉપર અસર વર્તાયી છે. ખાસ કરીને મહિનાની આખર તારીખ અને પગારનો સમય હોવાથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. બેન્ક કર્મીઓ દ્વારા પગાર વધારા સહિતની માંગણીઓને લઇને કર્મચારી યુનિયને આપેલા હડતાળના એલાનમાં બંને જિલ્લાના કર્મચારીઓ પણ જોડાતાં આર્થિક વ્યવહારો ઉપર અસર વર્તાયી છે.
ગત વર્ષે તારીખ 31 માર્ચ, 17નાં રોજ આઇબીએ દ્વારા બેંક કર્મચારીઓને પગાર બીલમાં ફક્ત 2 ટકાનો જ વધારો આપ્યો છે. જેની સામે બેંક કર્મચારીના સંગઠન યુએફબીયુએ વાંધો ઉઠાવ્યો હતો. એક તરફ એનપીએ 73 ટકા ઉદ્યોગ ગૃહોના કારણે ઉંચી આવી છે. આ લોન બેંક બોર્ડ દ્વારા અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી આપવામાં આવતી હોઇ છે. જેમાં કર્મચારીઓ એનપીએ બાબતો કોઇપણ સંજોગોમાં જવાબદાર નથી. કર્મચારી સંગઠને ગત દ્વી-પક્ષીય સમાધાનમાં 15 ટકાનો પગાર વધારાની માંગણી કરી હતી. જેની સામે ફક્ત આઇબીએ દ્વારા ફક્ત 2 ટકાનો વધારો મંજુર કરતાં કર્મચારી સંગઠનમાં નારાજગી વ્યાપી છે. જેના ભાગરૂપે તા.30-31 મેના રોજ હડતાલ પર જવાનો નિર્ણય કરાયો છે. આ હડતાળમાં ભરૂચ-અંકલેશ્વર અને નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાયા છે. ત્યારે એસબીઆઈ, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક સહિતની બેન્કોનાં આર્થિક વ્યવાહરો અટવાઈ પડ્યા છે. જોકે રાષ્ટ્રીયકૃત સિવાયની ખાનગી અને સહકારી બેંકોમાં કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે.
