સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં પારિવારિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી અનુસાર, શ્રવણ ચુના ગમારે અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈ પોતાની માતા, પત્ની અને પુત્ર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર શ્રવણે પરિવારના સભ્યોના માથાના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હિંસક ઘટનામાં શ્રવણ ગમાર પોતે અને તેના 2 વર્ષના માસૂમ પુત્ર કમલેશનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું.
જ્યારે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રવણના માતા જમનાબેન અને પત્ની કાંતાબેનને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જમનાબેનનું પણ મોત નીપજતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.
ઘટનાની ગંભીરતાને જોતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજ સિંહ ગોહિલ, ખેડબ્રહ્મા DYSP કુલદીપ નાયી સહિતનો પોલીસ કાફલો સંગ્રામપુરા પહોંચ્યો હતો. પોલીસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્ત કાંતાબેનનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે, જેથી હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.
