ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 11ના લોકપ્રશ્નોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તીખી તુ-તુ-મેં-મેં સાથે ભારે હંગામો સર્જાયો હતો.અને આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું.

ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 11ના લોકપ્રશ્નોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તીખી તુ-તુ-મેં-મેં સાથે ભારે હંગામો સર્જાયો હતો. વોર્ડ નંબર 11માં પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોમાં થઈ રહેલી વિલંબની સમસ્યા અંગે રજૂઆત કરવા માટે વિપક્ષી સભ્યો શમશાદ અલી સૈયદ, જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને નિખિલ શાહ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં પહોંચ્યા હતા. જોકે, આ રજૂઆત દરમિયાન મામલો બિચક્યો હતો. વિપક્ષી નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રજૂઆત સાંભળવાના બદલે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ‘ટોળામાં કેમ આવ્યા છો’ તેમ કહીને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. પ્રમુખના આ વલણથી ઉશ્કેરાયેલા વિપક્ષી સભ્યોએ વિરોધના સૂર સાથે પ્રમુખની ચેમ્બરમાં જ જમીન પર નીચે બેસી જઈને ઉગ્ર નારેબાજી અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.

બીજી તરફ, વિપક્ષના તમામ આક્ષેપોને ફગાવી દેતા પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્પષ્ટતા કરી હતી કે વોર્ડ નંબર 11માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલુ હોવાના કારણે જ પેવર બ્લોક કાઢવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે નગરપાલિકા દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને વહેલી તકે આ તમામ કામ પૂર્ણ કરીને સ્થાનિક રહીશોની સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવશે. આમ, વિકાસકામોના નામે શરૂ થયેલી રજૂઆતે નગરપાલિકામાં ગરમાવો લાવી દીધો છે.