Connect Gujarat
ગુજરાત

રાજકોટ : જાપાની પધ્ધતિથી વાવેતર કરાયાં 3,000 વૃક્ષો, જુઓ કેવું આવ્યું પરિણામ

રાજકોટ :  જાપાની પધ્ધતિથી વાવેતર કરાયાં 3,000 વૃક્ષો, જુઓ કેવું આવ્યું પરિણામ
X

રાજકોટ શહેરમાં નેચર એન્ડ એડવેન્ચર કલબ દ્વારા ઓક્સિજન પાર્કની રચના કરવામાં આવી છે. પ્રદુષણની માત્રા ઘટાડવા તથા લોકોને શુધ્ધ હવા મળી રહે તે માટે 3,000થી વધારે વૃક્ષોનું વાવેતર કરાયું છે. ઓકિસજન પાર્કમાં શહેરના અન્ય વિસ્તારો કરતાં તાપમાન પણ નીચું રહેતું હોય છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે તાપમાનમાં વધારો થતો રહે છે. રાજકોટમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે ત્યારે ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે ઓક્સિજન પાર્કની સ્થાપના કરી છે. આજથી એક વર્ષ પહેલાં અલગ અલગ 150 જેટલી ઔષધિના 3000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરાઇ રહયું છે.

જાપાનના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી પધ્ધતિ મુજબ રાજકોટમાં ઓક્સિજન પાર્ક રચના કરી આ વિસ્તારને વૃક્ષોથી આચ્છાદીત કરી દેવાયો છે. એક જ વિસ્તારમાં નજીક નજીક 3000થી વધુ વૃક્ષ હોવાના કારણે તે વિસ્તારના તાપમાનમાં 5 થી 7 ડિગ્રીનો ઘટાડો થયો છે. 4 હજાર ચોરસ મીટર જમીનમાં 150 જાતના વિવિધ વૃક્ષોનું વાવેતર કરાયું છે. ઓક્સિજન પાર્કમાં હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની સાત જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો જેવા વૃક્ષો તમને જોવા મળશે. પાર્કમાં નાના મોટા સૌ કોઈ લોકો વોકિંગ માટે આવતા હોય છે અને કુદરતી હવાનો અહેસાસ કરી દિવસ ભર સ્ફૂર્તિ અનુભવતા હોય છે.પશ્ચિમના દેશોમાં શુધ્ધ ઓક્સિજન લેવા માટે આર્ટિફિશિયલ ઓક્સિજન કેબ બનાવવામાં આવ્યા છે. જ્યાં 15 મિનિટ શુધ્ધ ઓકિસજન લેવા માટે 350 થી 400 રૂપિયા લેવામાં આવે ત્યારે રાજકોટ વાસીઓ માટે ઓકિસજન પાર્ક બહુઉપયોગી સાબિત થશે.

Next Story