સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ એક કાચા કામના કેદીનું સારવાર દરમિયાન શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

સુરતની લાજપોર જેલમાં બંધ 32 વર્ષીય કાચા કામના કેદી જયેશ બાબુ હળપતિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લાજપોર જેલમાં અચાનક જ જયેશ હળપતિને ગભરામણ, પરસેવો અને ઉલ્ટી થવાની તકલીફ સર્જાઈ હતી, જેના કારણે તેની તબિયત અચાનક ગંભીર રીતે લથડી હતી.

ઘટનાની ગંભીરતા જોતા જેલ પ્રશાસન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કેદીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ વોર્ડમાં દાખલ કરી તબીબો દ્વારા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબોના ભારે પ્રયાસો છતાં સાંજના સુમારે કેદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સમગ્ર આ ઘટના અંગે નવી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા સચીન પોલીસ સ્ટેશનમાં એમ.એલ.સી.ની નોંધ કરવામાં આવી છે. હાલ મૃતક કેદીના મૃતદેહને આગળની કાયદેસરની કાર્યવાહી અને સાચા કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.