ભરૂચ જિલ્લામાં અકસ્માતના બનાવ

હાંસોટના સુણેવ ગામ નજીક અકસ્માત

બાઈક ભટકતા 2 યુવાનોના મોત

એક્સપ્રેસ હાઇવે પર પણ અકસ્માતના 2 બનાવ

2 લોકોના નિપજ્યા મોત

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના સર્જાયેલા ત્રણ અલગ અલગ બનાવોમાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવો અંગે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવ ગામ નજીક બુધવારે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.અકસ્માત બાદ એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો અલવા અને માટીએડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ ભરૂચના આમોદ તાલુકામાં દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર દોરા ગામ નજીક હોટલ જગદીશ પાસે  એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 25 વર્ષીય ટ્રક ડ્રાઇવરનું દુઃખદ મોત નીપજ્યું છે. એક જ ટ્રકના બે ડ્રાઇવરો મુસાફરી દરમિયાન રોકાયા હતા. તે દરમિયાન એક ડ્રાઇવર ટ્રકની નીચે આરામ કરી રહ્યો હતો ત્યારે સાથી ડ્રાઇવરે અજાણતા ટ્રક આગળ ચલાવી દીધી હતી, જેના કારણે ટ્રકનું ટાયર નીચે સૂતેલા ડ્રાઇવર પર ફરી વળ્યું. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.

અન્ય એક બનાવમાં આમોદ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દૂધ ભરેલો આઇસર ટેમ્પો માર્ગ પર ઉભેલા ટ્રકમાં પાછળથી ઘૂસી જતાં 26 વર્ષીય ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યારબાદ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.