-
રાજકોટ-ચોટીલા હાઈવે પર કાળમુખો અકસ્માત
-
અકસ્માતમાં લક્ઝરી બસ બની ફાયરબોલ
-
બસ અને ડામરના ટેન્કર વચ્ચે પ્રચંડ ટક્કર,
-
બસની ભીષણ આગમાં 4 મુસાફરો જીવતા ભૂંજાયા
-
ટેન્કરનું ટાયર ફાટતા સર્જાયુ મોતનું તાંડવ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા રાજકોટ-ચોટીલા હાઈવે પર મધરાતે જ્યારે મુસાફરો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અકસ્માતે હસતા-રમતા પરિવારોની દુનિયા વેરવિખેર કરી દીધી છે. સાંગાણી ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 4 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા રાજકોટ-ચોટીલા હાઈવે પર જ્યાં મધ્યરાત્રિએ દોઢથી બે વાગ્યાના સુમારે મોતનું તાંડવ ખેલાયું હતું. અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ, સાંગાણી ગામ નજીક ડામર ભરેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ડામર ભરેલા ટેન્કરનું ટાયર અચાનક ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બરાબર એ જ સમયે પાછળથી આવતી બસ ટેન્કર સાથે અથડાઈ અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.
આગ એટલી વિકરાળ હતી કે મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. જેના કારણે 4 કમનસીબ મુસાફરો બસની અંદર જ જીવતા ભૂંજાઈ ગયા હતા.તેમની હાલત એવી છે કે ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. જ્યારે અન્ય 10 મુસાફરો ગંભીર રીતે દાઝ્યા છે, જેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ રાજકોટ અને ચોટીલાથી ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાઈવે પર અકસ્માતને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે આગ લાગવાનું કારણ માત્ર ટક્કર હતી કે પછી અન્ય કોઈ કારણ !
રોડ પરની એક નાની બેદરકારી કે યાંત્રિક ખામી કેટલી ઘાતક નીવડી શકે છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. તંત્ર અત્યારે તપાસમાં જોતરાયું છે, પણ જે પરિવારોએ પોતાના સ્વજન ખોયા છે, તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.
