વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલયમાં પશુ-પક્ષીઓને કાળઝાળ ગરમીથી બચાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલમાં ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગરમીનો પારો વધતાં મનુષ્ય સહિત પશુ-પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે. મનુષ્ય તો ગરમીથી બચવા અથવા તો રાહત માટે સક્ષમ છે.
પરંતુ પશુ-પક્ષીઓનું શું.! તેઓ મનુષ્ય પર નિર્ભર છે, ત્યારે કાળઝાળ ગરમીમાં વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત પ્રાણી સંગ્રાહાલયના પશુ-પક્ષીઓ પણ મનુષ્ય પર નિર્ભર રહે છે, ત્યારે ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સવારે 2 ટાઈમ તથા બપોરે 2 ટાઈમ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પશુ-પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે.
આ સાથે જ પશુ-પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવો ખોરાક આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તે માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં પાણીના ફૂવારા પશુ-પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે. તો બીજી તરફ, ઘાસ-પૂળાની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે.
