-
ભરૂચની વિદ્યાર્થીનીઓની કમાલ
-
સરકારી ઇનજનેરી કોલેજની વિદ્યાર્થીનીઓની સિદ્ધિ
-
હાઈબ્રીડ VTOL એરક્રાફ્ટ વિકસાવ્યું
-
સંરક્ષણ ક્ષેત્રે બની શકે છે ઉપયોગી
-
કોલેજના પ્રોફેસરોએ આપ્યુ માર્ગદર્શન
ભરૂચની સરકારી ઇજનેરી કોલેજની વિદ્યાર્થીનીઓએ સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી બને એવુ હાઈબ્રિડ VTOL એરક્રાફ્ટ વિકસાવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીની કેજલ એન. પટેલ અને કીર્તિ આર. શુક્લાએ મળીને હાઈબ્રિડ વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ-VTOL એરક્રાફ્ટ સફળતાપૂર્વક વિકસાવ્યું છે.
આ પ્રોજેક્ટને પ્રોફેસર વિશાલ દોશી અને એસ. એ. પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના સહકારથી તૈયાર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.આ એરક્રાફ્ટમાં ફિક્સ્ડ-વિંગ ડિઝાઇન સાથે ડ્રોન જેવી વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ ક્ષમતા આપવામાં આવી છે. તેથી પરંપરાગત રનવેની જરૂરિયાત વિના બિલ્ડિંગની છત અથવા નાના વિસ્તારમાંથી પણ તેનો ઉપયોગ શક્ય બને છે.
વિશેષતા તરીકે આ એરક્રાફ્ટમાં ડ્યુઅલ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક તેમજ ગેસ પાવર બંનેનો સમાવેશ થાય છે. આ ટેકનોલોજીના કારણે એરક્રાફ્ટ લગભગ 5 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે અને લગભગ 30 કિલોમીટર સુધીની ઓપરેશનલ રેન્જ ધરાવે છે. ઉપરાંત, તેમાં લગભગ 3 કિલોગ્રામ સુધી પેલોડ ક્ષમતા પણ છે.
આ હાઈબ્રિડ VTOL એરક્રાફ્ટનો ઉપયોગ ભવિષ્યમાં સર્વેલન્સ, સંરક્ષણ, તાત્કાલિક સેવાઓ, મેડિકલ સપ્લાય પહોંચાડવા, પાવર લાઇન અથવા પાઇપલાઇન ઇન્સ્પેક્શન તેમજ પર્યાવરણ મોનીટરીંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં કરી શકાય છે.વિદ્યાર્થીનીઓ દ્વારા વિકસાવવામાં આવેલું આ નવું એરક્રાફ્ટ ટેકનોલોજી ક્ષેત્રમાં યુવાનોની નવીનતા અને સંશોધન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
