• ભરૂચની ઝાડેશ્વર ચોકડીનો બનાવ

  • મીઠા પાણીની લાઇનમાં ભંગાણ

  • હજારો લીટર પાણીનો વેડફાટ

  • પાણી ખેતરો અને પાર્કિંગમાં ભરાયા

  • ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં મીઠા પાણીનું વહન કરતી લાઈનમાં ભંગાણ સર્જાતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
ભરૂચના ઝાડેશ્વર  વિસ્તારમાં ઉનાળાની  ગરમી વચ્ચે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. ઝનોર તરફથી આવતી મીઠા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણી બહાર વહી ગયું હતું. આ લાઇન લીકેજના કારણે આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મીઠા પાણીની લાઇન દ્વારા ઝાડેશ્વર ગામ,નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ભોલાવ અને  આશ્રય સોસાયટી સુધી પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે હજારો લીટર પાણી બગાડાતા પાણીની અછત વચ્ચે આ ઘટના ગંભીર માનવામાં આવી રહી છે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, પાણીની સપ્લાય માટેની આવી બેદરકારીને કારણે એક તરફ પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ લોકો પાણી માટે હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે પાણીની લાઈનના તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે.