-
દેવગઢ બારીયાના વડભેટ ગામમાં સર્જાય હ્રદયદ્રાવક ઘટના
-
માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા પંથકમાં ચકચાર
-
ચકચારી દુર્ઘટનામાં 3 માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યાં
-
માતા-પુત્રીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
-
કૌટુંબિક કારણોસર માતાએ અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામમાં રહેતી માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના 3 માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યાં છે, જ્યારે માતા અને એક પુત્રીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાંથી ક્યારેક ઘર કંકાસના કારણે પરિવારના સભ્યએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવે છે. તો ક્યારેક વ્યક્તિએ આર્થિક સંકટના કારણે પણ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભર્યું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામ ખાતે એક માતાએ પોતાના 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડભેટ ગામમાં રહેતી ચંપા રાઠવા નામની મહિલાએ ગામના સીમાડે આઘાતજનક પગલું ભરી લેતા આ હૃદયદ્રાવક ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક તમામ લોકોને કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, આ ઘટનામાં 3 માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં 12 વર્ષની પુત્રી પ્રિયંકા, 5 વર્ષીય પુત્ર ગિરિરાજ અને 2 વર્ષનો પુત્ર રાજવીર સામેલ છે, જ્યારે માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ, બનાવની જાણ થતા જ પોલીસ કાફલાએ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સાથે 3 બાળકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે, જ્યારે કૌટુંબિક કારણોસર માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
