-
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી
-
મશાલ પીટી અને અશ્વ શોથી ઝળહળી ઉઠ્યું સુરત
-
ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ રંગારંગ કાર્યક્રમ
-
ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસનું શૌર્ય પ્રદર્શન
-
બેન્ડના સૂર અને અશ્વદોડથી સુરતીયો થયા મંત્રમુગ્ધ
સુરત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનું સાક્ષી બન્યું હતું.આ પ્રસંગે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના અદભૂત કૌશલ્યના દર્શન થયા હતા.
સમગ્ર રાજ્ય આજે ‘ગુજરાત ગૌરવ દિવસ‘ની ઉજવણીના રંગે રંગાયું છે, ત્યારે આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણીનું યજમાન બન્યું છે ડાયમંડ સિટી સુરત. સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસના અદભૂત કૌશલ્યના દર્શન થયા હતા.
સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ શૌર્ય અને શિસ્તનો સંગમ જોવા મળ્યો હતો. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં સુરત પોલીસ દ્વારા મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંધકારને ચીરતી મશાલો સાથે પોલીસ જવાનોની શિસ્તબદ્ધ કૂચ જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આટલું જ નહીં, કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સુરત પોલીસનો અશ્વ શો,જાંબાઝ ઘોડેસવારોએ અદભૂત કરતબો બતાવી સૌની દાદ મેળવી હતી. સાથે જ પોલીસ બેન્ડની સુરાવલીઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સુરતના સાંસદ મુકેશ દલાલ, રાજ્યના પોલીસ વડા, સુરત શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં સુરતના નગરજનોએ ઉમટી પડીને આ ગૌરવશાળી ક્ષણોને વધાવી લીધી હતી.
