ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026ના પરિણામમાં અંકલેશ્વરની વિદ્યાર્થીનીએ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે.

અંકલેશ્વર નજીક આવેલી ધ મોડલ હાઈસ્કૂલ-કાપોદરાની વિદ્યાર્થીની ચૌધરી સિદ્રા કલિમુલ્લાએ ઉત્તમ પ્રદર્શન કરતાં 99.99 પર્સેન્ટાઇલ સાથે ભરૂચ જિલ્લા ટોપર બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. કુલ 600માંથી 591 ગુણ મેળવી વિદ્યાર્થીનીએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિષયવાર પરિણામમાં સિદ્રાએ બેઝિક ગણિત, સામાજિક વિજ્ઞાન અને અરેબિક વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી પૂર્ણાંક મેળવ્યા છે, જ્યારે અંગ્રેજીમાં 99, વિજ્ઞાનમાં 98 અને ગુજરાતી વિષયમાં 94 ગુણ પ્રાપ્ત કર્યા છે. સમગ્ર પરિણામમાં A-1 ગ્રેડ પ્રાપ્ત કરીને તેણે શાળાનો તેમજ પરિવારનુ ગૌરવ વધાર્યો છે. શાળાના સંચાલકો અને શિક્ષકવૃંદે વિદ્યાર્થીનીની મહેનત, શિસ્ત અને સતત અભ્યાસને સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સિદ્રાની આ સિદ્ધિથી શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે, અને શિક્ષકો તથા સહાધ્યાયીઓએ અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીનીએ પોતાની સફળતા માટે માતા-પિતા, શિક્ષકો અને શાળાના માર્ગદર્શનને શ્રેય આપતાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ દ્વારા સમાજ માટે ઉપયોગી બનવાનું પોતાનું લક્ષ્ય છે. સિદ્રાની આ ઉપલબ્ધિ અંકલેશ્વર શહેર માટે ગૌરવની ક્ષણ બની છે.