• માધાપરના વાસુદેવ કંસારાનો કલા અને વિદ્યાનો સંગમ

  • રોગાન કલાના વારસા સાથે અભ્યાસમાં પણ ઝળક્યો

  • કલાના રંગો અને પરિણામનો ઉત્સાહ જોવા મળ્યો

  • MSV હાઈસ્કૂલના વિદ્યાર્થીએ મેળવી ઝળહળતી સફળતા

  • વાસુદેવ કંસારા ધો.10માં A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ

કહેવાય છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને પરિશ્રમ કરવાની તૈયારી હોય, તો કલા અને અભ્યાસ બંનેમાં શિખરો સર કરી શકાય છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે કચ્છના માધાપરના એક યુવાન કલાકારે. જાણીતી રોગાન કલા સાથે જોડાયેલા વાસુદેવ કંસારાએ ધોરણ 10ના પરિણામમાં પણ ડંકો વગાડ્યો છે.
કચ્છની ઓળખ સમાન પરંપરાગત રોગાન કલા આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ કલાના વારસાને આગળ ધપાવતા માધાપરના યુવા કારીગર વાસુદેવ આશિષભાઈ કંસારાએ માત્ર કલામાં જ નહીં, પણ શિક્ષણના ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં વાસુદેવે A1 ગ્રેડ મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. માધાપરની એમ.એસ.વી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વાસુદેવે શાળામાં બીજો ક્રમાંક હાંસલ કર્યો છે. નાની ઉંમરે જ રોગાન કલામાં પ્રાવિણ્ય મેળવનાર આ યુવાને સાબિત કરી દીધું છે કે જો સમયનું યોગ્ય આયોજન કરવામાં આવે, તો કલાના શોખ સાથે અભ્યાસમાં પણ તેજસ્વી સફળતા મેળવી શકાય છે.
વાસુદેવની આ બેવડી સફળતાથી તેની શાળા અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકો અને મિત્રો તરફથી તેના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. પરંપરાગત કલાના રંગો અને પુસ્તકોના જ્ઞાન વચ્ચે સંતુલન જાળવનાર વાસુદેવ આજે અન્ય યુવાનો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બન્યો છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે યુવાનો પોતાની પરંપરાથી દૂર જઈ રહ્યા છે, ત્યારે વાસુદેવ જેવો યુવાન કલા અને શિક્ષણ બંનેને સાથે લઈને ચાલી રહ્યો છે તે ખરેખર ગૌરવની વાત છે.