-
મર્ડર મિસ્ટ્રીમાં ત્રીજી રકાબીએ ખોલી પોલ
-
શેરબજારમાં દેવું થતા મિત્રની માતાની હત્યા
-
વૃદ્ધાએ ઉધાર રૂપિયા ન આપતા કરી હત્યા
-
ઘટનામાં ચાની રકાબીએ ખોલી પોલ
-
રસોડાની એ એક ભૂલ અને કાતિલ જેલ ભેગો
જૂનાગઢની ચિત્રકુટ સોસાયટીમાં થયેલી 63 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.જેમાં યુવકને શેરબજારમાં દેવું થતા મિત્રની માતાની ઘાતકી હત્યા કરી હતી,આખરે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જૂનાગઢના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં ગત 12 મેના રોજ 63 વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રાયજાની તેમના જ ઘરે ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસને સૌથી મોટી સફળતા રસોડાના પ્લેટફોર્મ પરથી મળી, જ્યાં ચા પીધા પછી ધોયા વગરની ત્રણ રકાબી પડી હતી. ઘરમાં માત્ર વૃદ્ધા અને તેમનો દીકરો જ હોવાથી આ ‘ત્રીજી રકાબી‘ કોની હતી? આ એક સવાલે પોલીસ તપાસનો આખો રૂખ બદલી નાખ્યો હતો.
પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું કે હત્યા કરનાર આરોપી સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, મૃતક મહિલાના દીકરા દિલીપનો જ પરમ મિત્ર હતો. આરોપી અગાઉ કપડાની દુકાન ચલાવતો હતો, પરંતુ તે બંધ કરીને શેરબજારના સટ્ટામાં પડ્યો હતો અને માર્ચ-એપ્રિલ દરમિયાન અંદાજે પોણા ચાર લાખ રૂપિયા હારી ગયો હતો.
આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા તે સુનીતાબેન પાસે ઉછીના પૈસા લેવા ગયો હતો. પરંતુ, વૃદ્ધાએ સુરક્ષા માટે કોઈ કિંમતી વસ્તુ સિક્યુરિટી તરીકે ગીરો મૂકવાની વાત કરતા જ દેવાના બોજમાં દબાયેલો સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તીક્ષ્ણ છરી વડે વૃદ્ધાનું ગળું કાપી તેમની હત્યા નીપજાવી હતી.
શાતિર આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વૃદ્ધાની અંતિમવિધિ અને સામાજિક કાર્યોમાં પણ પરિવારની સાથે રહીને શોક પ્રગટ કર્યો હતો, પરંતુ આખરે ચાની એ ત્રીજી રકાબીના કારણે તે કાયદાના સિકંજામાં આવી ગયો અને પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો છે.
