વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા મહિને મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે. 15 અને 17 જૂને યોજાનારી આ બેઠક ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું છે. 16 મહિનાથી વધુ સમયમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની આ પહેલી મુલાકાત હોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ફ્રાન્સની મુલાકાતે આવવાના છે. એજન્સી અનુસાર, આ સમિટ 15 થી 17 જૂન દરમિયાન યોજાવાની છે. 

તાજેતરમાં ફ્રાન્સના વિદેશ મંત્રાલયે મુલાકાતની પુષ્ટી કરતા એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને ફ્રાન્સના યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી જીન-નોએલ વચ્ચેની વાતચીતના મુખ્ય મુદ્દાઓની રૂપરેખા આપવામાં આવી હતી. આ વાતચીત ફ્રાન્સના Abbaye des Vaux-de-Cernay ખાતે G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી. એક સત્તાવાર ફ્રેન્ચ પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને મંત્રીઓએ વડાપ્રધાન મોદી દ્વારા ઇવિયન સમિટ (15-17 જૂન) માં ભાગ લેવાની પુષ્ટીનું સ્વાગત કર્યું. આ વાતને ધ્યાનમાં રાખીને બંને મંત્રીઓએ G7ના કાર્યમાં ભારતના યોગદાન પર ભાર મૂક્યો.” ભારત G7નું સભ્ય ન હોવા છતાં ફ્રાન્સે તેને ભાગીદાર દેશ તરીકે આમંત્રણ આપ્યું છે.