-
બલેશ્વર ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો
-
સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજન
-
201 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા
-
ચોખા રમાડવાની વિધિ આકર્ષણનું કેન્દ્ર બની
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એક સાથે 201 યુગલો આદિવાસી રીતરિવાજ મુજબ લગ્નબંધનમાં બંધાયા હતા.આ પ્રસંગે નવ યુગલોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીડિયો સંદેશના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત ચોથો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો.આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીતરિવાજ અનુસાર લગ્નગ્રંથિથી જોડાયા હતા. કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજન દરમિયાન સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપત્તિને કરિયાવર પણ અર્પણ કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા અને સહકારનું સુંદર ઉદાહરણ બન્યું હતું.સમૂહ લગ્ન દરમિયાન એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અનોખું દ્રશ્ય જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને સમાજ જનોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાયું હતું.વધુમાં આ પ્રસંગે એક પ્રજ્ઞાચક્ષુ વરરાજાએ પણ લગ્ન બંધનમાં જોડાતા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા તમામ નવદંપત્તિઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર સમૂહ લગ્ન સફળ બનાવવા માટે આયોજકો તેમજ સ્વયં સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વિડીયો સંદેશના માધ્યમથી નવયુગલોને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી,તેમજ ભવ્ય સમૂહ લગ્નોત્સવના આયોજન બદલ સમાજના સેવામય કાર્યને બિરદાવી પ્રશંસા કરી હતી.
