ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાના બે દિવસીય ભરૂચ જિલ્લાના પ્રવાસે ટ્રેન મારફતે આવી પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,ડી.કે.સ્વામી સહિતના ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલની આ મુલાકાત મુખ્યત્વે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાઈ રહી છે. તેઓ અંકલેશ્વર તાલુકાના કાસીયા ગામ ખાતે રાત્રિ રોકાણ કરીને ત્યાંના ખેડૂતો ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન પણ કર્યું છે.જેમાં પ્રાકૃતિક કૃષિ થકી જળ અને જમીનનું સંરક્ષણ થાય, ખેડૂતોની આર્થિક સ્થિતિ સદ્રઢ બને અને દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે તેવા ઉમદા આશય સાથે રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે વ્યાપક જાગૃતતા આવે અને આ અભિયાન એક ‘જન આંદોલન’ બને તે અર્થે ભવ્ય કાર્યક્રમનું ખાતમુહૂર્ત અને આયોજન કરવામાં આવ્યું છે.
