સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા તેમજ DIGP એ.એમ.મુનિયા અને S.P. એસ.જે.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા આપેલ સૂચનાના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા તારીખ 04-07-2026ના રોજ Dysp આર.એમ.ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા મોહાડી, લીમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ સાથે જ માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટ અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે, તેમજ હાલમાં દરિયો તોફાની હોવાથી બિનવારસુ ડ્રગ્સના પેકેટો કિનારા ઉપર મળી આવે છે, જેના વિશે લોકો જાગૃત કરી સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.