ડાંગમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.

ડાંગ જિલ્લો અત્યારે પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યો છે. ડાંગમાં વરસેલા  ધોધમાર વરસાદ બાદ અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વઘઇ ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ગીરાધોધનું મનમોહક કુદરતી સૌંદર્ય અત્યારે ચરમસીમાએ છે. પહાડોમાંથી વહીને અંબિકા નદીમાં ખાબકતા ગીરાધોધના આ અદ્ભુત નજારાને નિહાળવા માટે ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ડાંગની લીલીછમ વાદિઓ અને ચોમાસાના કારણે સક્રિય થયેલા અસંખ્ય નાના-મોટા ઝરણાઓ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે. બીજી તરફ, ચોમાસામાં નદી-નાળાના વધતા જતા પાણીના પ્રવાહને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે નદીનાળા અને તેજ ઝરણાઓ પાસે ન જવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.