ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ઘીકોડિયા નજીક ગતરોજ મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં 27 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો આતંક વધુ એક યુવાનનો જીવ લઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, ભરૂચના મિલેનિયમ માર્કેટ નજીક સરસ્વતી મિલની ચાલમાં રહેતો 27 વર્ષીય ચિરાગ બાબુભાઈ પરમાર મોપેડ પર જઈ રહ્યો હતો, ત્યારે સ્ટેશન રોડ પર માલધારી ટી સ્ટોલ નજીક મોડી રાત્રે અચાનક રસ્તા વચ્ચે ગધેડું આવી ગયું હતું. ગધેડાને બચાવવાના પ્રયાસમાં ચિરાગે મોપેડ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે માર્ગ પર પટકાયો હતો. ગધેડા સાથે જોરદાર અથડામણ બાદ યુવક મોપેડ પરથી ફંગોળાઈને ડિવાઈડરની લોખંડની ગ્રીલ સાથે અથડાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ ઘટનાને પગલે ભરૂચ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા નગરપાલિકાના પ્રતિનિધિ જીગ્નેશ બ્રહ્મભટે પાલિકા સમક્ષ રાત્રિના સમયે રખડતા પશુઓ પર કડક નિયંત્રણ લાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નિર્દોષ લોકોના જીવ લેતી આવી દુર્ઘટનાઓ ફરી બનતી રહેશે.