અંકલેશ્વરમાં ખેડૂતોને મુશ્કેલી
બુલેટ ટ્રેન પ્રોજેકટના કારણે મુશ્કેલી
પાણીનો નિકાલ ન થતા ખેતર ફેરવાયા બેટમાં
ઉભા પાકને વ્યાપક નુકશાન
અંકલેશ્વરમાં આકાશી આફત વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટના કારણે પાણીનો નિકાલ અટકી જતા ઉંટીયાદરા સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા છે.લગભગ 100 એકર જમીનમાં ખેડૂતોનો ઉભો પાક ડૂબી જતા ભારે આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે
અંકલેશ્વર તાલુકામાં ચોમાસાના વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉંટીયાદરા સહિતના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીના કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
પાક બરબાદ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી ગંભીરતા દાખવી નથી. અસરગ્રસ્ત ખેડૂતો હવે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા અને પાક નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે.ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આગામી કામગીરીને અટકાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેમના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે છ ભૂંગળા મૂકવામાં આવ્યા છે. જોકે, સ્થળ પર આવી કોઈ વ્યવસ્થા સ્પષ્ટપણે નજરે પડતી ન હોવાનોખેડૂતો દાવો કરી રહ્યા છે.
હાલ ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને ખેડૂતો તથા પ્રોજેક્ટ તંત્ર વચ્ચે વિવાદ ઊભો થયો છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક રાહત અને યોગ્ય વળતરની માંગ સાથે આગળ આવ્યા છે.
