ગુજરાતના લોક સાહિત્યમાં બાર પ્રકારના મેઘનું વર્ણન કરવામાં આવ્યું છે.ગ્રીષ્મની શરૂઆત થાય એટલે ગરમીથી અકળામણ અને પાણી માટે પણ પોકાર શરૂ થાય, જેમ જેમ ઉનાળો આકરો બનતો જાય તેમ તેમ લોકો વરસાદ વહેલો આવે તેવી આશા વ્યક્ત કરવા મંડે છે. અને એક સુંદર ગુજરાતી ગીત યાદ આવે “આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે”.
વરસાદ ઋતુની શરૂઆત વાતાવરણને ખુશનુમા બનાવી દે છે.મેઘઘટાની સાથે સાથે ઠંડા પવનની લહેરકી અને ભીની ભીની મોસમ જાણે ધરતી અને મેઘની મિલનની આગાહી કરતા હોય છે.મેઘ જ્યારે મનમુકીને વર્ષે છે,ત્યારે પૃથ્વી પર પાણીની ચાદર પથરાતા જાણે તૃપ્ત થઈ જતી હોય તેવો આભાસ થાય છે.માદક અને રોમાન્ચથી ભરપૂર ઋતુને ગુજરાતના લોક સાહિત્યમાં 12 પ્રકારના નામ થી સુંદર ઓળખ આપવામાં આવી છે,અને એજ પ્રકારની મેઘ મહેર સૌ કોઈએ અનુભવી પણ હોય છે.
— 12 પ્રકારના મેઘનું વર્ણન અને તેના ઉપર થી કહેવત પણ બની છે:બારે મેઘ ખાંગા,આ બાર પ્રકાર ના મેઘ આ પ્રમાણે છે.
1 ફરફર : જેનાથી માત્ર હાથ પગ ના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
2 છાંટા : ફર ફર થી વધુ વરસાદ
3 ફોરા : છાંટા થી વધુ મોટા ટીપા
4 કરા : ફોરા થી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ
5 પછેડીવા : પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાનો ટુકડો) થી રક્ષણ થાય તેવો વરસાદ
6 નેવધાર : છાપરા ના નેવા ઉપરથી (નળિયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ
7 મોલમેહ : મોલ એટલે પાક ને જરૂરી હોય તેવો વરસાદ
8 અનરાધાર : એક છાંટો,બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ
9 મુશળધાર : અનરાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું) આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
10 ઢેફાભાંગ : વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ
11 પાણ મેહ : ખેતરો પાણી થી છલોછલ ભરાઈ જાય અને કુવા ના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ
12 હેલી : આ અગિયાર પ્રકારના વરસાદ માંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.
આમ આ બાર પ્રકારની મેઘ મહેરને બારે મેઘ ખાંગા તરીકે ઓળખવામાં આવે છે.
