ભરૂચના હાંસોટના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવવાના મામલામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના હાંસોટ તાલુકાના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવવાના મામલે હવે તપાસને વધુ વેગ મળ્યો છે. આ કેસમાં હાંસોટ પોલીસે જાતે ફરિયાદી બની ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળકને જન્મ બાદ તરત જ ત્યજી દેવામાં આવ્યું હતું. બાળકના શરીરે સામાન્ય ઈજાઓ પણ જોવા મળી હતી, જેના કારણે તેની સારવાર ચાલુ છે.બાળકને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવાના આ બનાવને ગંભીરતાથી લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.પોલીસ બાળકને મોતના મુખમાં ધકેલી દેનાર જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ કરી રહી છે. હાંસોટ પોલીસે જાતે ફરિયાદી બનતાં હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.
