ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્લગ રન યોજાય હતી જેમાં બોર્ડની સાથે રસ્તા પરથી પ્લાસ્ટિક અને કચરો એકત્રિત કરી સ્વચ્છતા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો
રોકવુલ ભરૂચ હાફ મેરેથોનના પ્રમોશનલ રન અંતર્ગત ભરૂચમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. ભરૂચ રનિંગ ક્લબ, જેસીઆઈ ભરૂચ, ભરૂચ નગરપાલિકા અને મોમ્સ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે માતરીયા તળાવ ખાતે પ્લોગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્લોગ રનમાં વિવિધ સંસ્થાઓ અને ગ્રુપના સભ્યો સાથે માતરીયા સિનિયર સિટીઝન ક્લબના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આશરે 90 જેટલા લોકોએ માતરીયા તળાવથી શક્તિનાથ સુધી દોડતા અને ચાલતા રસ્તામાં પડેલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો એકત્ર કર્યો હતો.આ દરમિયાન લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. પ્લોગ રનનો હેતુ માત્ર સફાઈ પૂરતો સીમિત ન રાખતા ભરૂચ શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો.કાર્યક્રમમાં જોડાયેલા સભ્યોએ સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ લીધો હતો.
