ગુજરાતને હરિયાળું બનાવવા વન વિભાગે આ વર્ષે 423 નર્સરીઓ દ્વારા 11.80 કરોડથી વધુ રોપાઓનું વિતરણ અને 74,453 હેક્ટર વિસ્તારમાં 5.51 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો મોટો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વન મહોત્સવ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓની સરકારી નર્સરીઓમાં ઉચ્ચ ગુણવત્તાના છોડ ઉછેરવામાં આવ્યા છે. પ્રકૃતિના સંવર્ધન અને ગ્રીન કવર વધારવાના આયોજન સાથે વન વિભાગે જનભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો છે.

આ નર્સરીઓમાંથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોને બદામ, લીમડો તથા લીંબુ સહિતની વિવિધ પ્રજાતિના રોપાઓ ખૂબ જ વ્યાજબી કિંમતે મળી રહ્યા છે. બોડા ડુંગરના રસ્તાઓ, મહેસૂલી વિસ્તારો, નગરપાલિકાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની જરૂરિયાત મુજબ વન વિભાગ દ્વારા આ તંદુરસ્ત છોડ ઉપલબ્ધ કરાવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘એક પેડ મા કે નામ3.0’ અંતર્ગત 440 હેક્ટરમાં, અંદાજે 300 સ્થળોએ ‘વન કવચ’ નામના લઘુ જંગલો વિકસાવાશે. આ સાથે જ ‘ગ્રીન વોલ ઓફ અરાવલી’ પ્રોજેક્ટ હેઠળ 6.652 હેક્ટરમાં વૃક્ષારોપણ અને 20,100 હેક્ટરમાં મેન્ગ્રોવ્સનું વાવેતર કરી કુદરતી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવશે.