અંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તાર નજીક આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે 24મી રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો

અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની 24મી રથયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે યોજાઈ હતી. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે વિધિવત્ પૂજન-અર્ચન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર યાત્રામાર્ગ પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદીયા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, આયોજક જીતુ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રામાર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.