અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મીઓ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાવવાના મામલામાં એસીબી દ્વારા હવે તેમના બેન્ક એકાઉન્ટ અને મિલકતોની પણ તપાસ કરવામાં આવશે.આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અંકલેશ્વરના પાનોલીમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ભરૂચ ACBએ લાંચ લેતા ત્રણ પોલીસકર્મીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પાનોલી પોલીસ મથકના ઝડપાયેલા પોલીસકર્મીઓમાં અનિરુદ્ધ ધાધલ, સાગર ચાવડા અને જયદીપસિંહ સુખદેવ પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓને પાનોલી પોલીસ સ્ટેશનમાંથી ભરૂચ ACB પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયેલા એક બુટલેગરનો મોબાઇલ પરત આપવા માટે આરોપી પોલીસકર્મીઓએ ₹3 લાખની લાંચની માંગણી કરી હતી. જે પૈકી પ્રથમ હપ્તા તરીકે ₹1 લાખ સ્વીકારતી વખતે ભરૂચ ACBએ ટ્રેપ ગોઠવી ત્રણેયને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.આ સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપી પોલીસકર્મીઓની મિલ્કત, બેંક ખાતાં તેમજ તેમના રહેઠાણની પણ તપાસ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે.