“शुभजन्मदिनं तुभ्यम्…….. शुभजन्मदिनं तुभ्यम्……..।

शुभजन्मदिने तव हे…….. सकलं मधुरं भूयात्……..॥

शुभजन्मदिनं तुभ्यम्…….. शुभजन्मदिनं तुभ्यम्……..।

शुभजन्मदिने तવ हे…….. सकलं सफलं भूयात्……..॥

Happy Birthday to you…… Happy Birthday to you……

Happy Birthday ShreeDhar Dear…… Happy Birthday to you……”

ચારેય બાજુ જન્મદિવસની શુભેચ્છાઓ સંભળાઈ રહી છે. દેવતાઓ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. યક્ષો અને ગંધર્વો ગાન ગાઈ રહ્યા છે. મરુતો મંદમંદ લહરો પ્રસરાવી રહ્યા છે. ઉર્વશી, મેનકા ઇત્યાદિ અપ્સરાઓ નૃત્ય કરી રહી છે અને પુષ્પ પાંખડીની વર્ષા થઈ રહી છે. ભેટ સોગાદોનો તો ઢગલો થઈ ગયો છે. આખુંય વાતાવરણ રસમય અને સંગીતમય છે. સ્વર્ગના વૈજયંત મહેલની સુધર્મા સભામાં આજે દેવપુત્ર શ્રીધરના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે.

પરંતુ, જન્મદિવસના આ ઝગમગાટ વચ્ચે શ્રીધર ઝાંખો લાગી રહ્યો છે. જન્મદિવસની ઉજવણીમાં પૂજ્ય પિતાશ્રી ઇન્દ્રમહારાજાએ બર્થ-ડે વિશ વખતે એના મુખમાં મુકેલો મનપસંદ મોહનથાળનો ટુકડો પણ એને મેથીપાક જેવો કડવો લાગ્યો છે. સો ટકા સુખની સ્માર્ટ સર્વિસ આપતું સ્વર્ગનું વાતાવરણ આજે શ્રીધરને દુઃખના દરિયા જેવું લાગી રહ્યું છે.

શ્રીધરને ખાતરી હતી કે મનરૂપી મહેલમાં મૂંઝવતા પ્રશ્નનો જવાબ મારા માતા-પિતા પણ મને નહીં આપે. એનું કારણ સિમ્પલ છે… સ્વર્ગ હોય કે પૃથ્વી… માતા-પિતા પાસે લગભગ બાળકોના પ્રશ્નો સાંભળવાનો સમય જ નથી હોતો… અને છેવટે તેણે નોલેજમાં નંબરવન, હિસ્ટ્રીના હેડક્વાર્ટર એવા ઋતુધ્વજને વિડિયોકોલ કર્યો…

“હેલ્લો… દેવાત્મા ઋતુધ્વજ, આજે મારા જન્મદિવસે તમને સહસ્ર વંદન.” શ્રીધરે કહ્યું.

ત્યારે ઋતુધ્વજ બોલ્યા, “હેપ્પી બર્થ-ડે શ્રીધર… તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ… શતાયુ ભવ… દીર્ઘાયુ ભવ… સદા ખુશ રહો…”

“ખુશ કેમ રહું ? છેલ્લા બે – ત્રણ દિવસથી તો મને ખાવાનું પણ ભાવતું નથી.” શ્રીધર ઉવાચ.

આ સાંભળીને ઋતુધ્વજે પૂછ્યું, “અરે…!! આજે તારો જન્મદિવસ છે અને તું આવી વાતો કરે છે… નાહકની આ નિરાશાનું શું કારણ… દેવપુત્ર..??”

જવાબના સૂરમાં શ્રીધર બોલ્યો, “હે દેવાત્મા ઋતુધ્વજ… હું દરરોજ ગીતાસેવાની સાઈટ પર શ્રીમદ્ ભાગવત પુરાણનું વાંચન કરું છું અને તેમાં બે દિવસ પહેલાં…

ॐ अहो अमीषां किमकारि शोभनं, प्रसन्न एषां स्विदूत स्वयं हरिः ।

यैर्जन्म लब्धं नृषु भारताजिरे, मुकुन्दसेवौपयिकं स्पृहा हिनः ॥ (श्रीमद्भागवत…५/१९/२१)

‘ભારતમાં જન્મ લેનારનો દેવતાઓ પણ મહિમા ગાય છે કે જેણે ભગવાનની સેવાને યોગ્ય મનુષ્યયોનિમાં જન્મ પ્રાપ્ત કર્યો છે. અહો ! એમણે કયું પુણ્ય કર્મ કર્યું હશે કે ભરતખંડમાં તેમને મનુષ્ય જન્મ મળ્યો. અમને દેવોને પણ ભારતમાં આ મનુષ્ય જન્મની સ્પૃહા છે.’

यद्यत्र नः स्वर्गसुखावशेषितं स्विष्टस्य सूक्तस्य कृतस्य शोभनम् ।

तेनाजनाभे स्मृतिमज्जन्म नः स्याद्वर्षे हरिर्यद्भजतां शं तनोति ॥ (श्रीमद्भागवत…५/१९/२८)

‘અત્યાર સુધી સ્વર્ગસુખ ભોગવી લીધા પછી અમારા પૂર્વે કરેલાં યજ્ઞ, પ્રવચન અને શુભ કર્મોમાંથી જો કાંઈ પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવે અમને આ ભારતવર્ષમાં ભગવાનના સ્મરણ સહિતનો મનુષ્યજન્મ મળો. કારણ કે, શ્રીહરિ પોતાની ભક્તિ કરનારાઓનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે.’

આ બંને શ્લોકો વાંચ્યા પછી… હું ખૂબ મૂંઝાઈ ગયો છું. શું સ્વર્ગ કરતાંય આ ભારત દેશનું મહત્ત્વ વધારે છે…?? મારા મનમાં પ્રશ્નોનો પહાડ ઊભો થયો છે કે… ભારત દેશમાં એવું તે શું છે કે દેવતાઓ પણ આ ભારતભૂમિની સ્તુતિ કરે છે…?? ભારત દેશમાં એવું તે શું છે કે ત્યાં ભગવાનને પણ વારંવાર અવતરવાનું મન થાય છે…?? ભારત દેશમાં એવું તે શું છે કે જેનાથી મુક્તિનું દ્વાર ઉઘડે છે…?? હે દેવાત્મા ઋતુધ્વજ… મારે આજે આપની પાસેથી આ ભારત દેશ વિશે જાણવું છે.”

ત્યારે ઋતુધ્વજ બોલ્યા, “ઓકે… આ તો જિજ્ઞાસામાંથી ઉદ્ભવેલો પ્રશ્ન… અને તેનો જવાબ તો જ્ઞાનથી જ મળી શકે… વળી, ભારત દેશ વિશે વાત કરતાં તો મને પણ ખૂબ આનંદ થશે… તો સાંભળ, ભારત દેશની ભારી ભરખમ વાતો…” એમ કહીને ઋતુધ્વજે ભારત માહાત્મ્ય કથાનું મંગલાચરણ કર્યું…

🇮🇳 ભારતનું ગૌરવ અને માહાત્મ્ય

સમગ્ર વિશ્વમાં ભારત દેશની પોતાની એક આગવી એવરગ્રીન છાપ છે. ભારત દેશ જ ભવ્યતાના ભાગ્યથી ભરેલો, દિવ્યતાના દીપથી દૈદીપ્યમાન અને પવિત્રતાના પુષ્પોથી પૂજાયેલો છે. આ દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેના ચાર નામ છે: ભારત, આર્યાવ્રત, હિન્દુસ્તાન અને ઇન્ડિયા. તેમાં ભારત નામ સૌથી વધારે ફેમસ અને ફેવરિટ છે. કારણ કે, ઇતિહાસ રૂપી ઇન્ડેક્સના ગુગલીંગમાં ભારત નામ ઉપર જ સૌથી વધારે વખત ક્લિક થયું છે.

“ભારત” શબ્દ જ બોલવામાં ભરેલા રીંગણાના શાક જેવો સ્વાદિષ્ટ, લખવામાં લેખકનું હૃદય ભરી દે એવો વિશાળ અને વર્ણન કરવામાં તો વાઙ્મયી ગિરાના ગિરનાર સમાન સમૃદ્ધ છે.

  • ‘ભા’ નો અર્થ થાય છે: આભા, શોભા, પ્રભા, તેજસ્વીતા, ચમક, જ્ઞાન, પ્રસિદ્ધિ.
  • ‘રત’ નો અર્થ થાય છે: નિરંતર, સંલગ્ન, લીન, પ્રેમી…

અર્થાત, “જે નિરંતર પોતાની શોભાને ચારે દિશાઓમાં ફેલાવવામાં સંલગ્ન છે… તે ભારત.” તેમજ “જે હંમેશા જ્ઞાનમાં લીન રહે છે, જે સદૈવ જ્ઞાનનો પ્રેમી છે… તેને ભારત કહેવાય.” ‘નામ એવા ગુણ’ની સૂક્તિ રૂપી માપપટ્ટી વડે જો ભારત દેશને માપવા જઈએ તો ‘ભારત’ નામ એકદમ ફિટોફિટ બેસી જાય એવું છે. પ્રાચીનકાળથી ભારત દેશ પોતાની સમૃદ્ધિ, સંસ્કૃતિ અને સદાચારના ત્રિવેણીસંગમથી સમગ્ર જગતને પખાળી રહ્યો છે.

અથર્વવેદમાં माता भूमि: पुत्रोऽहं पृथिव्या: (अथर्ववेद: १२/1/1૨) એવું કહીને સમગ્ર પૃથ્વીને ભારતમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. ભાગવતના પંચમ સ્કંધમાં ભારતવર્ષ વિશે વિસ્તૃત વર્ણન છે. માર્કન્ડેય પુરાણમાં ભારત દેશનું સવિસ્તાર નિરૂપણ છે. અમરકોષના ભૂમિવર્ગમાં… आर्यावर्तः पुण्यभूमिः मध्यं विन्ध्यहिमालयोः। (अमरकोष: भूमिवर्ग: ૮/૧/૧) ભારત દેશને પુણ્યભૂમિના પરફેક્ટ પેલેસ તરીકે દર્શાવાયો છે. સ્વામિનારાયણ ભગવાને ખગોળ ભૂગોળના વચનામૃતમાં પણ આ ભરતખંડ – ભારતદેશનો મહિમા સમજાવ્યો છે.

વિષ્ણુપુરાણની વાણી ભારત દેશને વર્ણવતાં કહે છે કે:

उत्तरं यत्समुद्रस्य, हिमाद्रेश्चैव दक्षिणम् ।

वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ॥ (विष्णुपुराणम् २/३/૧)

(અર્થાત: સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે દેશ આવેલો છે તે ભારત છે.)

આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય ગીતમાં ગવાય છે કે:

रत्नाकरधौतपदाम् हिमालयकिरीटिनीम् ।

ब्रह्मराजर्षिर्रत्नाढ्यं वन्दे भारतमातरम् ॥

(અર્થાત: વિશાળ સમુદ્ર જેના ચરણ પખાળે છે, હિમાલય જેમના મસ્તકનો સરતાજ છે, બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ જેનું ઘરેણું છે એવા ભારતમાતાને શત્ શત્ નમન.)

ભારતની ભૌગોલિક સુંદરતા અને વિવિધતા

વિશ્વના સૌથી મોટા દ્વીપકલ્પ તરીકે ઓળખાતો ભારતનો રળિયામણો દરિયા કિનારો ૭૫૧૬.૬ કિ.મી. લાંબો છે. દુનિયામાં સૌથી વધારે પર્વત શ્રુંખલા ભારતમાં આવેલી છે. આ પર્વતમાળાઓ લગભગ ૧૫૦૦ માઈલ સુધી ફેલાયેલી છે, જે ૨૩,૬૦0 ફૂટ ઊંચી છે. એમાંય વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા ધરાવતો અને સૌથી ઊંચો પર્વત હિમાલય છે, જે ૬૦ કરોડ વર્ષ જૂનો છે. ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ના ન્યાયે જાજરમાન સુંદરતા ધરાવતો આ પર્વત પોતાની સૌંદર્ય પ્રતિભાથી વિશ્વવિખ્યાત છે. હિમાલયની ‘ફૂલોની ઘાટી’ થી લઈને કન્યાકુમારી સુધી મહોરેલાં ૪૯,૦૦૦ કરતાંય વધુ ફૂલછોડ એની બ્યુટીનેસને બેવડાવી દે છે. ભારતની પશ્ચિમે અફાટ રણોનું રણમેદાન છે. ૩૨,૮૭,૨૬૩ ચોરસ કિ.મી. ધરતી પર પથરાયેલો આ દેશ વિશ્વનો સાતમા ક્રમનો મોટો દેશ છે.

ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, નર્મદા અને કાવેરી જેવી નદીઓના જળથી ઝળહળતા આ દેશનું હવામાન અનેક વિવિધતા ધરાવે છે. એક જ દેશમાં કાતિલ ઠંડી અને ગરમી આશ્ચર્ય ઉપજાવે છે, તો વિશ્વમાં જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે તે ચેરાપુંજી (માવસીનરામ) પણ ભારતમાં જ છે. અનેક ઋતુઓ અને વિવિધ આબોહવા વચ્ચે ભારતમાં કુલ ૮૧,૨૫૧ જાતનાં પશુપંખીઓ અને જીવ-જંતુઓ વસે છે.

પુરાણપ્રસિદ્ધ આ ભરતખંડ પ્રથમથી જ પ્રકૃતિનટીનું રમણીય સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યો છે. પ્રકૃતિદેવીએ પોતે જ એને પોતાના નિવાસસ્થાનરૂપે બનાવ્યો હોય એવું આપણને એની ચતુર્દિશામાં નજર કરતાં પ્રતીત થાય છે:

  • ઉત્તરે: હિમાચ્છાદિત, અલૌકિક રૂપ રાશિ સમાન પર્વતરાજ અને જગતનું સ્વર્ગ કાશ્મીર.
  • દક્ષિણે: નીલાભામય હિંદ જલનિધિ (હિંદ મહાસાગર).
  • પશ્ચિમે: દ્વારકાધીશના ચરણ પ્રક્ષાલન કરતો અરબી સમુદ્ર.
  • પૂર્વે: બંગાળનો શ્યામ ઉપસાગર.
  • મધ્યમાં: કાલિંદી અને યમુનાના અત્યંત પવિત્ર નીર, સહ્યાદ્રિ અને ગિરનારની અનુપમ શોભા.
  • શાંતિધામો: નર્મદા અને નાશિકના પ્રસિદ્ધ શાંતિધામો તેમજ પૂર્વઘાટ અને પશ્ચિમઘાટ વચ્ચેનો કુદરતી રમણીય પ્રદેશ.

કુદરતે પોતાના તમામ રંગોની રંગોળી પૂરીને ભારત દેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.