સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું,પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં પડેલા સારા વરસાદથી ઉત્સાહિત થઈ ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા હવે ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાથી જમીનમાં ભેજનો અભાવ સર્જાયો છે, જેના કારણે ગરમી વધતા મગફળીના પાકમાં કાળી ફૂગ અને ઇયળનો મોટો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પ્રતિ વીઘા અંદાજે રૂપિયા 50 હજાર જેટલો મોંઘો ખર્ચ કરવા છતાં પાક સુકાવા લાગતા ખેડૂતોનું લાખો રૂપિયાનું રોકાણ જોખમમાં મુકાયું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર ગંભીર અસર પડશે, જેથી હાલ તમામ ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે અને તેઓ મેઘરાજાની મહેરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.