રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવાઓ ફેલાવવામાં આવ્યા છે કે, દિલ્હી પોલીસ કમિશનરને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA), 1980 હેઠળ પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી.

દિલ્હી પોલીસે હવે, એક સત્તાવાર સ્પષ્ટતા જારી કરી છે, જેમાં આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, NSA હેઠળ કમિશનરને ‘ડિટેનિંગ ઓથોરિટી’ ની સત્તાઓ આપવી એ કોઈ નવો નિર્ણય નથી. તેના બદલે, તે દર 3 મહિને થતી નિયમિત વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે. પોલીસે જણાવ્યું હતું કે, વર્તમાન આદેશ 7 જુલાઈ, 2026’ના રોજ જારી કરવામાં આવ્યો હતો, અને 19 જુલાઈથી 18 ઓક્ટોબર, 2026 સુધી અમલમાં રહેશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ આદેશ CJP વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જારી કરવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને આવી સત્તાઓ આપવા માટે કોઈ ખાસ વિનંતી કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક મીડિયા અહેવાલો આ નિયમિત નવીકરણને CJP વિરોધ સાથે જોડે છે. જેના કારણે મૂંઝવણ ઊભી થાય છે.

પોલીસે પુનરોચ્ચાર કર્યો હતો કે, આ ફક્ત એક નિયમિત વહીવટી કવાયત છે, અને તેને વિરોધ સાથે જોડવું એ હકીકતની વિરુદ્ધ છે. જોકે, અલગ રીતે, CJP વિરોધ દરમિયાન દિલ્હીના સંસદ માર્ગ અને જંતર-મંતરની આસપાસ તણાવ પ્રવર્તતો હતો. વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણની ઘટનાઓ નોંધાઈ હતી, ત્યારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) એ અનેક સ્થળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.