ભાવનગરની જાણીતી સર ટી. જનરલ હોસ્પિટલની લેબ ટેસ્ટિંગ પ્રક્રિયા હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે. જ્યાં એક તરફ માસૂમ બાળકો ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમી રહ્યા છે, ત્યાં બીજી તરફ લેબ રિપોર્ટની ગંભીર વિસંગતતાએ સમગ્ર સ્વાસ્થ્ય તંત્ર સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરી દીધા છે.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષના માસૂમ બાળકને ગંભીર તાવ અને આંચકી આવતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન હોસ્પિટલની સ્થાનિક લેબમાં બાળકના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં રિપોર્ટ ‘નેગેટિવ’ આવ્યો હતો.
પરંતુ, દુર્ભાગ્યવશ 9 જુલાઈના રોજ સારવાર દરમિયાન જ આ માસૂમ બાળકે દમ તોડી દીધો હતો. બાળકના મૃત્યુ બાદ જ્યારે એ જ સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગરની જી.બી.આર.સી. લેબમાં મોકલવામાં આવ્યા, ત્યારે ગાંધીનગરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ગંભીર વિસંગતતા સામે આવતા જ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને બાળરોગ વિભાગના વડા દ્વારા સમગ્ર મેડિકલ અને લેબ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.
